Saturday, February 1, 2020

ડૉ. બાબાસાહેબ સંપૂર્ણ અક્ષરદેહ ગ્રંથ -૧૩ શૂદ્રો કોણ હતા?

     મૂલ્યો
            મૂલ્યો આદર્શ માપદંડ તરીકે સારા છે અને અનિવાર્ય છે. કોઇપણ વ્યક્તિ કે સમાજ માપદંડ વિનાનો હોઈ શકે નહીં. પરંતુ આ માપદંડ સમય અને સંજોગોના પ્રવાહ સાથે પરિવર્તન પામતો હોવો જોઈએ. કોઈ માપદંડ કાયમ માટે નિશ્ચિત કરેલ હોવો જોઈએ નહીં. આપણા માપદંડના મૂલ્યોમાં હંમેશા પુનઃ મૂલ્યાંકનની જોગવાઈ હોવી જોઈએ. મૂલ્યો પુનઃ મૂલ્યાંકન માટે ખુલ્લાં રહેવાની શક્યતા ત્યારે જ હોઈ શકે જ્યારે સામાજિક સંસ્થાને (ધર્મની) પવિત્રતાના વાઘા પહેરવ્યા ન હોય ! પવિત્રતાના આચાર-વિચાર તેના મૂલ્યોનાં પુનઃ મુલ્યાંકનની પ્રક્રિયા અવરોધે છે. બસ એક વખત પવિત્ર એટલે કાયમ માટે પવિત્ર....

ઇતિહાસકાર
           એક ઇતિહાસકાર ચોક્ક્સ, નિખાલસ, નિષ્પક્ષ, આવેગમુક્ત, સ્વાર્થ ભય અને અનુરાગથી પર તેમજ સત્યનિષ્ઠ હોવો જોઈએ. જે સત્ય ઇતિહાસની જનની છે. જે (ઇતિહાસ) મહાન કાર્યોનો સંરક્ષક છે. જે વિસ્મૃતિનો શત્રુ અને ભૂતકાળનો સાક્ષી છે તેમજ ભવિષ્યનો નિયામક છે. ટૂંકમાં - એક ઇતિહાસકાર ખુલ્લાં દિમાગનો હોવો જોઈએ. પણ ખાલી દિમાગનો હોવો જોઇએ નહીં. આવા ઇતિહાસકારે તેની સમક્ષ પડેલા સઘળા પુરાવા ચકાસવા તત્પર રહેવું જોઈએ પછી ભલેને તે પુરાવા બનાવટી હોય....

- ડૉ. બી. આર. આંબેડકર
(શૂદ્રોની શોધ ગ્રંથમાંથી ઉદ્ધૂત)



સંદેશ
              આર્ષદ્રષ્ટા ડો. બાબાસાહેબ આંબેડકર વર્તમાન યુગના કરુણાપૂર્ણ યુગપુરુષ હતા. તેમની દ્રષ્ટિમાં નારી નવચેતનાની પ્રતિક છે. તેમજ સમાજના નવનિર્માણમાં નારી પાયાનો પથ્થર છે. નારી અને સમાજની ઉન્નતિ અંગે ડો. આંબેડકરે કહ્યું હતું કે, “હું કોઈ પણ સમાજની પ્રગતિનું અનુમાન એ વાતથી કરું છું કે એ સમાજની મહિલાઓની સ્થિતિ કેવી છે? નારીની ઉન્નતિ વિના પરિવાર, સમાજ તેમજ રાષ્ટ્રની પ્રગતિના સ્વપ્ન જોવાં એતો રણમાં વહાણ ચલાવવા સમાન છે અને આ વિધાનને સાર્થક કરવા તેમણે હિન્દુ કોડ બીલની રચના કરી તેમાં ઉત્તરાધિકાર, છૂટાછેડા, વિધવા વિવાહ, પિતાની સંપત્તિમાં પૂત્રીનો ભાગ, સ્ત્રીધન સંબંધી અધિનિયમ ૨જૂ કરી નારી મુક્તિનો માર્ગ મોકળો કર્યો. "
         બાબાસાહેબના સમગ્ર સાહિત્યમાં નારી ઉત્થાન તેમજ રાષ્ટ્રની સામાજિક , આર્થિક સમસ્યાઓના ઉકેલની દિશાના દર્શન થાય છે. અમેરિકા અને યુરૉપની વિશ્વવિદ્યાલયોમાં તેમણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. અર્થશાસ્ત્ર, કાયદાશાસ્ત્ર, સમાજશાસ્ત્ર નૃવંશશાસ્ત્રના શોધકર્તાના રૂપમાં તેમની નામના હતી. વર્તમાન યુગમાં બાસાહેબના આર્થિક વિચારો રાષ્ટ્રની પ્રગતિમાં સીમાચિહ્ન સમાન છે.
          ડો. આંબેડકર ફાઉન્ડેશન બાબા સાહેબના સંપૂર્ણ વાડ઼મયને હિન્દી, ગુજરાતી તેમજ અન્ય ભારતીય ભાષાઓમાં પ્રકાશિત કરી રહ્યાં છે. તેનું ઉમળકાભેર સર્વત્ર સ્વાગત થયેલ છે. આ શૃંખલામાં ડો. બાબાસાહેબ આંબેડકર સંપૂર્ણ અક્ષરદેહ ગ્રંથ નંબર- ૧૩ "શૂદ્રો કોણ હતા? અને ભારતીય આર્યોના સમાજમાં તેઓ ચોથી વર્ગમાં કેવી રીતે ગણાયા?" સુજ્ઞ વાંચકોને સમર્પિત કરતાં આનંદની લાગણી વ્યકત કરું છું. આ મહાકાર્યમાં જોડાયેલા વિદ્વાન અનુવાદકો, પરામર્શકો, સંકલનકારોનું હું અભિવાદન કરું છું.
                                                                મેનકા ગાંધી
                                            કલ્યાણ મંત્રી, ભારત સરકાર


સંદેશો
          ભારતના બંધારણના ઘડવૈયા અને દલિતોના ઉદ્ધારક ડો. બાબાસાહેબ આંબેડકર આ સદીની એક વિરલ વ્યક્તિ હતા. ડો. બાબાસાહેબ આંબેડકરની દ્રઢ માન્યતા હતી કે શિક્ષણ દ્વારા વ્યક્તિ વિકાસ અને સામાજિક ક્રાંતિ દ્વારા જ સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાના પાયા ઉપર રાષ્ટ્રનું નવનિર્માણ થઈ શકશે.
             ડો. બાબાસાહેબ આંબેડકર ફાઉન્ડેશન દ્વારા પ્રસિદ્ધ થયેલ બાબાસાહેબના વિદ્વતાપૂર્ણ લખાણનું હિન્દી, ગુજરાતી અને અન્ય ભાષાઓમાં ભાષાંતર કરી પ્રજા સુધી પહોંચાડવાનું કાર્ય ખૂબ મહત્વનું છે. ડો. બાબાસાહેબ આંબેડકરનો સંપૂર્ણ અક્ષરદેહ ગ્રંથ નં. ૧૩ "શૂદ્રો કોણ હતા? અને ભારતીય આર્યોના સમાજમાં તેઓ ચોથા વર્ણમાં કેવી રીતે ગણાયા?” ગુજરાતી ભાષામાં પ્રકાશિત થઈ રહ્યું છે ત્યારે હું આનંદની અને ધન્યતાની લાગણી અનુભવું છું. ગુજરાતી ભાષામાં આ પ્રકાશનોનો ઉમેરો થતાં સામાજિક સદ્ભાવના અને સામાજિક ન્યાયની પ્રક્રિયાને અવશ્ય વેગ મળશે.
           આ ભગીરથ કાર્યમાં જે વિદ્વાન અનુવાદકો, અને પરામર્શકારોએ તેમની વિદ્વતાનો લાભ આપ્યો છે તે સૌની જહેમત અભિનંદનને પાત્ર છે. આ ગ્રંથના મુખ્ય સંપાદક શ્રી એમ. કે. પરમારે જે નિષ્ઠાથી કાર્ય પાર પાડયું છે તેને હું બિરદાવું છું. હું આશા રાખું છું કે આ પ્રકાશનોને વ્યાપક લોક આવકાર મળશે.
                                                                 કે.સ. પટેલ
                                                        ( કેશુભાઈ પટેલ )
                                              મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય


 આવકાર
           ડો. બાબાસાહેબ આંબેડકર બહુમુખી પ્રતિભા ધરાવતા હતા, તેઓ વિદ્વાન અર્થશાસ્ત્રી, નૃવંશશાસ્ત્રી, ધારાશાસ્ત્રી, વિદ્વાન લેખક, પ્રખર રાષ્ટ્રભક્ત અને સામાજિક નવચેતનાના પ્રહરી હતા.
            બ્રિટીશરોએ તેમના શાસન દરમ્યાન ભારતવર્ષના આર્થિક જીવનને બેહાલ કર્યું હતું તેનો તાદૃશ્ય ચિતાર તેમના શોધ નિબંધોમાં આલેખેલ છે. તેમજ અસ્પૃશ્યતા નિવારણ, સામાજિક ન્યાય, દલિતોદ્ધાર, નારી સન્માન, જાતિપ્રથા વિરોધ, વર્ણવ્યવસ્થા નાબુદી, રાષ્ટ્રની આર્થિક, સામાજિક, રાજકીય ઉન્નતિ વગેરે વિષય પર તેમણે ઊંડું ખેડાણ કરેલ છે.
             મૂળ અંગ્રેજી વોલ્યુમમાંથી ગુજરાતી ગ્રંથ નં.૧૩,  "કોણ હતા? અને ભારતીય આર્યોના સમાજમાં તેઓ ચોથી વર્ષમાં કેવી રીતે ગણાયા?" ગુજરાતીમાં ભાષાંતર કરી,  ગુજરાતની પ્રજાના કરકમળોમાં મૂકતાં હું હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું.
            વિદ્વાન અનુવાદકો, પરામર્શકોએ ખૂબજ મહેનત કરી આ ગ્રંથોના પ્રકાશનમાં જે ફાળો આપેલ છે તે સરાહનીય છે.  તેમજ આ ગ્રંથોના મુખ્ય સંપાદક અને સંકલનકાર શ્રી એમ. કે. પરમારે આ ગ્રંથોના પકાશનમાં ખૂબજ મહેનત કરેલ છે તેને આ તબકકે બિરદાવું છે.
                                                        મહેન્દ્ર  ત્રિવેદી
                                                           મંત્રી,
                                                              રમતગમત યુવા, અને
                                                                 સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ

સંપાદકીય
             કોઈપણ દેશને બીજા દેશ પર શાસન કરવાનો અધિકાર નથી, તો પછી એ પણ સ્વીકારવું જોઈએ કે કોઈ એક વર્ગને બીજો વર્ગ ઉપર શાસન કરવાનો પણ અધિકાર નથી. ડો બાબાસાહેબ આંબેડકરની આ વિચાર કણિકા માનવ માનવની સમાનતાનો સંદેશ આપે છે.
         શૂદ્રો કોણ હતા? અને ભારતીય આર્યોના સમાજમાં તેઓ ચોથા વર્ણમાં કેવી રીતે ગણાયા? આ ગ્રંથમાં બાબાસાહેબ ખૂબજ ઊંડાણપૂર્વક સંશોધન કરી વર્ણવાદ એ ભારતનું કલંક છે તે પ્રતિપાદીત કરેલું છે.
          પ્રસ્તુત ગ્રંથ ૧૩માં બાબાસાહેબ, શૂદ્રોની સમસ્યા, શૂદ્રોની ઉત્પત્તિમાં બાહ્યાણવાદ, શૂદ્રો વિરુદ્ધ આર્યો, આર્યો વિરુદુ શૂદ્રો, શૂદ્રો અને દાસ , બ્રાહ્મણ વિરુદ્ધ શૂદ્રો, શૂદ્રો શા માટે ચોથા વર્ણમાં સમાયા, વર્ણ કેટલી છે? ત્રણ કે ચાર ! વગેરે વિષયોનું વિશદ દર્શન કરાવે છે.
         શૂદ્રો કોણ હતા અને ભારતીય આર્યોના સમાજમાં તેઓ ચોથા વર્ણમાં કેવી રીતે ગણાયાં? ગ્રંથ ૧૩ પ્રકાશીત થતાં આનંદની લાગણી અનુભવું છું.
          વિદ્રાન અનુવાદકો, પરામર્શકો, તથા સંપાદકોના પરિશ્રમથી જ આ ગ્રંથો તૈયાર થઈ રહ્યો છે. તેમની સેવાઓ સરાહનીય છે.
           પ્રજ્ઞાશીલ વાચકો આ ગ્રંથને અગાઉના ગ્રંથોની જેમ જ સ્વીકારશે. તેવી અભ્યર્થના સાથે,
                                                          એમ. કે. પરમાર
                                              મુખ્ય સંપાદક અને સંકલન

★ડિજિટલ PDF સંપાદન★

           અમે બે-પાંચ મિત્રોએ (જેમાં Manoj Dabhi, सोलंकी राजेश्वर एम. Hasmukh Makwana,Atul Rathod, Tushar Parghi,  chandresh sagar) ડો.બાબાસાહેબ આંબેડકર જીવન ચરિત્ર તથા તેમની વિચારધારા અને તેમના દ્વારા લખાયેલ અન્ય સાહિત્ય સોશિયલ મીડિયા (ફેસબુક અને વોટ્સએપ) દ્વારા ગુજરાતીમાં ભાષામાં લોકો સુધી પહોંચતું કરવાનો વિચાર કર્યો અને એક ફેસબુક ગ્રુપ "ડો.બાબાસાહેબ આંબેડકર સંપૂર્ણ અક્ષરદેહ ગ્રંથ-૧૩" બનાવ્યું. જેમાં ડો.બાબાસાહેબ આંબેડકર લિખિત અક્ષરદેહ ગ્રંથને ટેક્ષ્ટમાં રુપાંતરિત કરી સરળતાથી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય મુખ્ય હતું.
           જો કે આ કામ સમય અને ચીવટ માંગી લે એવું હોય, અન્ય ફેસબુક મિત્રોની મદદ લેવાનું નક્કી કર્યું. અને પરિચિત મિત્રોને મદદ માટે અપીલ કરી અને ઘણાં બધા મિત્રો અમારા આ કાર્યમાં પોતાની સામાજિક જવાબદારી સમજી નિસ્વાર્થપણે જોડાઈ ગયાં, અને અમારાે વિચાર હવે જીવંત બન્યો.

          જે પૈકી Arun Patel, Manish Bhartiy, Babu Solanki, Pankaj Parmar, Rakesh, Naresh Chudasama ,Nikhil Dhumada, Subodh Kuntar ,Vijay Parmar, Chirag Vaniya , Dev Chavda, Makwana Hasmukh, Ashish Dafada Rekhaa Solanki, Jignesh Parmar, Parmar Aruna, Pravin P. Christian, Vala Pravin, Rahul Kumar, V.J. Vanvi, Pravin Khaniya, Sujata Kaba, Vishāl Sonāra, Twinkal Parmar, Bharat Rathod, Naresh, अनार्य भावेश, vijaykumar pramar, અને ટીનો કાકો જેવા સમર્પિત મિત્રોએ અમને ગ્રંથ-૧૩ના લેખન કાર્યમાં ખૂબ જ મદદ કરી અને ગ્રંથ-૧૩નું લેખનકાર્ય પુર્ણ થયુ છે. જે બદલ અમે લેખનકાર્યમાં મદદ કરનાર મિત્રોના આભારી છીએ.
          હાલ ગ્રંથ-૧૪નું લેખન કાર્ય ચાલુ છે. એની પણ pdf બનાવશું ત્યારે મદદરૂપ થયેલ મિત્રોના નામ જાહેર કરશું..
          આ કામગીરી અંતર્ગત અમે તથા સહકાર આપનાર તમામ મિત્રો બની શકે તેટલી સરળતાથી ડો.બાબાસાહેબ આંબેડકર વિચારધારા તથા તેમનાં સાહિત્ય પહોંચે એવી કોશિષ કરીશું...     
         આ ડિજિટલ ફોર્મમાં આવેલ લખાણને હવે pdfનું સ્વરૂપ આપવાનું નક્કી કર્યું છે. જો કોઈ જગ્યાએ ક્યાંય અમારી ભૂલ રહી ગઈ હોય તો અમને ક્ષમા કરજો અને અમારું ધ્યાન દોરજો....
▪एक कदम " अंबेडकर युग की और ▪
     
                                                     ✍ ફેસબૂક મિત્રો.....

●ભૂમિકા●
           સાહિત્ય ક્ષેત્રમાં અત્યારે શૂદ્રો અંગેનું પૂરતું સાહિત્ય ઉપલબ્ધ નથી. અને આ વિષય ઉપર પ્રકાશ પાડવો એ નિરર્થક કે નાનું સુનું કાર્ય નથી. સામાન્ય રીતે ભારતીય આર્યોની સમાજ વ્યવસ્થા ચાર્તુવર્ણ વ્યવસ્થા છે. અને તે ચાર વર્ણ (૧) બ્રાહ્મણ (પુરોહિત), (૨) ક્ષત્રિય (સૈનિક), (૩) વૈશ્ય (વ્યાપારી) અને (૪) શૂદ્ર (સેવક) છે. ઉપરોક્ત વિભાજનથી શૂદ્રોની સમસ્યા અંગે ખરેખર તો ખાસ પ્રકાશ પડતો નથી. ચાર્તુવર્ણ વ્યવસ્થા સમાજને ચાર વર્ગોમાં વિભાજિત કરવાની ચેષ્ટા જ હોત તો એના નિર્દોષ દેખાતા સિદ્ધાંત અંગે ઝાઝું કહેવાપણું ન હોત! કમનસીબે આ વિભાજને તો ચાર્તુવર્ણના સિદ્ધાંતને વધારે જટિલ અને ઊંડો બનાવ્યો છે. આ વ્યવસ્થાને લીધે ક્રમિક અસમાનતા (graded inequality) અને ઊંચ નીચની ભાવના સામાજિક જીવનનું પ્રમુખ અંગ બની ગયું છે. આ ક્રમિક અસમાનતાની ભાવના કલ્પિત નથી પણ એને વૈધાનિક અને દંડનીય દરજ્જો મળ્યો છે. ચાર વર્ણના નિયમ અનુસાર શૂદ્રોની નિંદા અને તિરસ્કાર કરીને એના દ્વારા ક્રમવાર વિભાજનમાં તેના નિમ્ન શ્રેણીમાં પહોંચાડી દીધેલ છે; જેથી ક્યારેય તે ઊંચે ઉઠવાની પ્રયાસ જ ન કરી શકે. વાસ્તવમાં જયાં સુધી પાંચમો વર્ણ અસ્તિત્વમાં ન આવ્યો ત્યાં સુધી શૂદ્રો જ નિમ્નતમ શ્રેણીમાં સબડતા રહ્યા. એને જ શૂદ્રોની સમસ્યા કહી શકાય. આ સમસ્યા અંગે લોકો ત્યાં સુધી અજાણ રહ્યા જ્યાં સુધી એની જન સંખ્યાનો અંદાજ આવ્યો નહીં. દુ:ખદ બાબત તો એ છે કે, જનગણના વિભાગે એની પૃથ્થક ગણના ન કરીને ભ્રમણા પેદા કરી છે, હકીકતમાં તો સ્થિતિ એવી છે કે, હિંદુ સમાજમાં શૂદ્રોની સંખ્યા ૭૫ થી ૮૦ ટકા જેટલી છે. આ દષ્ટિએ આ પ્રશ્ન અસાધારણ કોટિનો બની જાય છે. એટલું જ નહીં એક વિશાળ સમુદાયના વિષયમાં શોધપૂર્ણ સંશોધનાત્મક દષ્ટિકોણ ઉપસ્થિત કરે છે. શેરીંગે (Mr. Sherring) પોતાના પુસ્તક હિંદુ કબીલા અને જાતિઓ ૧ (Hindu Tribe and Caste) માં લખ્યું છે કે,
      “ પ્રશ્ન એ નથી કે શૂદ્રો આર્યો છે કે ભારતના આદિવાસીઓ, કે પછી બંનેનું મિશ્રણ. વાસ્તવિકતા એ છે કે, આદિકાળથી ત્રણ વર્ણથી ભિન્ન, નિમ્ન સ્તર ધકેલી દઈને અને ચોથા વર્ણમાં પહોંચાડી દીધા છે. જો કે એવું માની લેવામાં આવે કે શરૂઆતમાં તે આર્યો નહોતા છતાં પણ ત્રણેય ઊંચા વર્ણોમાં વિવાહ કરવાને લીધે એમનું એટલું બધું આર્યકરણ થઈ ગયું કે, ક્યાંક ક્યાંક શૂદ્રોના કબીલા બ્રાહ્મણ અને ક્ષત્રિયથી પણ આગળ વધીને એવી સ્થિતિએ પહોંચી ગયા કે એમણે જે ગુમાવ્યું હતું એનાથી અધિક મેળવી લીધું. ઉદાહરણ રૂપે ઈંગ્લેન્ડનો સેલ્ટિક કબીલો એંગ્લો-જાતિમાં ભળી ગયા અને તે પોતાની મૂળ પહેચાન જ ગુમાવી બેઠો.”
          આ દ્રષ્ટિકોણ બે ભૂલો પર આધારિત છે. પ્રથમ ભૂલ એ છે કે વર્તમાનકાળના શૂદ્રોની જાતિ - પ્રારંભિક આર્યોના સમાજના શૂદ્રોથી વંશીય રીતે ભિન્ન છે. બીજી ભૂલ એ છે કે, શૂદ્રો કઈ જાતિના છે એ વિચારનું કોઈ મહત્ત્વ જ નથી. મહત્ત્વ તો એ વાતનું છે કે એવા નિયમો અને કાનૂનો અસ્તિત્વમાં આવ્યા, જેના દ્વારા શૂદ્રો પોતાનું અસ્તિત્વ જ ગુમાવી બેઠા અને શોષિત-પીડિત બનીને રહી ગયા. દુ:ખદ આશ્ચર્ય એ છે કે હિંદુ કાયદાના શિકાર બનેલા નિમ્ન વર્ગના લોકો (અછુતો) આ મૂળ વંશીય શૂદ્રો સાથે કોઈ પણ પ્રકારે સંબંધિત નથી. પણ શૂદ્રોના કાનૂન તેની ઉપર લાગુ પાડવામાં આવ્યા છે. આ કેવી રીતે બન્યું એ જાણવાનો મારો પ્રયાસ છે.
         મારું એવું માનવું છે કે, ભારતીય આર્યોના સમાજમાં બ્રાહ્મણી કાયદા કાનૂન અને નિયમોનો શિકાર બન્યા પછી શૂદ્રો કાલાંતરે નિમ્ન વર્ગની કક્ષાએ પહોંચી ગયા. એના બે પરિણામો આવ્યા.
(૧) 'શૂદ્ર શબ્દ અને એનો ભાવાર્થ જ બદલાઈ ગયો. મૂળ શૂદ્ર શબ્દ જે એક વિશેષ સમુદાયના (જાતિનો) સંકેત કરતો હતો તેને બદલે એવા સમુદાય માટે વપરાવા માંડ્યો જે નિમ્ન કોટિના, સભ્યતા વિહીન, સંસ્કૃતિ વિહીન, સન્માન વિહિન અને સામાજિક સ્તર વિહીન ગણાય છે.
(૨) 'શૂદ્ર શબ્દનો અર્થ વિસ્તાર થવાને કારણે એના ઉપર લાગુ પાડવામાં આવેલા નિયમો અને કાનૂનનો પણ વિસ્તાર થયો.
            આ રીતે વર્તમાનકાળમાં નિન્મજાતિના માનીને પ્રાચિનકાળના કહેવાતા  શૂદ્રોની જેમ જ જુના કાનૂન અનુસાર એમને(શૂદ્રોને) ઉત્પીડિત અને શોષિત કરવાનું શરૂ થયું. જો કે મૂળભૂત રીતે તે જૂના અર્થમાં શૂદ્રો તો છે જ નહીં. વાસ્તવમાં વૈધાનિક દંડ જે અપરાધીઓને માટે નિર્ધારિત કરવામાં આવ્યા હતા તે નિરપરાધી અછૂત લોકો ઉપર પણ ઠોકી બેસાડવામાં આવ્યા. જો હિન્દુ કાનૂનના રચયિતા જાણતા હોત કે આજે નિમ્નશ્રેણી માં ધકેલી દેવામાં આવેલા લોકો પ્રાચીન કાળના શૂદ્રોથી તદ્દન અલગ છે, તો જે નિર્દોષોનો નરસંહાર અને પેદા થયેલી દુ:ખદ સ્થિતિ નિવારી શકાય હોત! ખેદજનક તથ્ય તો એ છે કે, પ્રાચીન શૂદ્રોને માટે બનાવવામાં આવેલા વિધિ-વિધાનો વર્તમાન કાળના શૂદ્રો ઉપર લાગુ પાડવામાં આવ્યાં છે. આ કેવી રીતે બન્યું? એને કેવળ પૌરાણિક સંશોધનનું મહત્વ ધરાવતું ગણીને અવગણી શકાય તેમ નથી.
           જો એવું માની લેવામાં આવે કે શૂદ્રોનો વિષય સંશોધનનો વિષય છે,  તો કેટલાક લોકો એવા સંશોધન માટેની મારી ક્ષમતા વિશે પ્રશ્ન પૂછી શકે. કેટલાક લોકોએ મને ચેતવણી આપી જ દીધી છે કે, હું રાજનીતિ પર ભલે લખું પણ હિન્દુઓના ધર્મ અને ધાર્મિક ઈતિહાસમાં દખલ ન કરું. કારણ કે એ મારું ક્ષેત્ર નથી અને એટલે એમાં મારે દરમ્યાનગીરી ન કરવી. મને આવી ચેતવણી શા માટે આપવામાં આવી છે? એની મને ખબર પડતી નથી. હું આ વિષયને ચકાસવા માટે સક્ષમ નથી એવું શાથી માની લેવામાં આવે છે? એની મને તો ખબર જ નથી પડતી. અનિષ્ઠના નિવારણ માટે વધારે પડતો દાવો એક ચિંતક કે લેખક તરીકે હું કરતો હોઉં તો તે બિનજરૂરી છે. હું તો એ પણ સ્વીકારવા તૈયાર છું કે, ભારતીય રાજનીતિ અંગે વાત કરવા માટે પણ હું સક્ષમ નથી. મને જો ચેતવણી એટલા માટે જ આપવામાં આવી હોય કે હું સંસ્કૃત ભાષા ઉપર પ્રભુત્વ ધરાવતો નથી, તો એ ખામી હું સ્વીકારું છું અને છતાંય આટલી નાનકડી ખામીને કારણે જ આ વિષય અંગે લખવા હું સક્ષમ નથી એવું શા માટે માની લેવામાં આવે છે? કારણકે એવું સંસ્કૃત સાહિત્ય ભાગ્યે જ જોવા મળશે કે, જેનો અંગ્રેજી અનુવાદ ઉપલબ્ધ ન હોય! એથી સંસ્કૃત ભાષાના જ્ઞાનનો અભાવ મારે માટે બાધા રૂપ બની શકે તેમ નથી. અને અત્યારે જે વિષય અંગે હું વાત કરવા માંગુ છું એના અંગે પણ બાધા પડે તેમ નથી. હું એ કહેવા ઈચ્છું છું કે છેલ્લા પંદર વર્ષથી આ અંગેના ભાષાંતરોનો મેં અભ્યાસ કર્યો છે અને આટલા ગાળા સુધી આ અંગેના સંદર્ભિત સાહિત્યનો અભ્યાસ કરનાર કોઈ પણ સામાન્ય બુધ્ધિ પ્રતિભા ધરાવનાર વ્યક્તિ પણ સક્ષમ રીતે આ વિષયને હાથ ધરી શકે.
            આ વિષય અંગે લખવા બોલવાની મારી અધિકૃતતા તો આ પુસ્તકના વાચન પછી જ મળે. જો કે એવું લાગે છે કે , “જયાં દેવદૂતો જતાં ડરે છે એવા ક્ષેત્રમાં મૂર્ખાઓ(સામાન્ય વ્યક્તિ) ધસી જાય છે ” એવી કહેવત તો છે જ છતાંય મને લાગે છે કે સામાન્ય માણસે પણ પોતાનું કર્તવ્ય બજાવવાનું હોય છે . જો દેવદૂતો પોતાની ફરજ ન બજાવતા હોય તો સત્ય શોધવા માટે સામાન્ય માણસે તો એમાં દરમ્યાનગીરી કરવી જ જોઈએ . પ્રતિબંધિત ક્ષેત્રમાં પ્રવેશ અંગે મારે આટલું જ કહેવું છે.
            સવાલ એ છે કે આ પુસ્તકમાં નોંધપાત્ર બાબતો કઈકઈ છે? આ પુસ્તકમાં બે પ્રશ્નોનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે .
             (૧) શૂદ્ર કોણ હતા? અને (૨) ભારતીય આર્યોના સમાજમાં એમને ચોથાવર્ણમાં કેવી રીતે ગણવામાં આવ્યા? આ બન્ને પ્રશ્નોની તપાસ કરીને હું જે તારણ કાઢી શક્યો છું તે નીચે પ્રમાણે છે .

(૧) શૂદ્રો આર્યજાતિની સૂર્યવંશી શાખાના લોકો છે.
(૨) એક વખતે આર્યોમાં માત્ર ત્રણ જ વર્ણો હતા અર્થાત્ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય.
(૩) “શૂદ્રો"નો ચોથો વર્ણ નહોતો. તેઓ ભારતીય આર્યસમાજના ક્ષત્રિય વર્ણના વંશજો હતા .
(૪) શૂદ્રો અને બ્રાહ્મણો વચ્ચે વારંવાર યુધ્ધો થતાં રહેતા હતા જેમાં શૂદ્ર રાજાઓએ બ્રાહ્મણો ઉપર ઘણાં અત્યાચારો કર્યા અને બ્રાહ્મણોના ગૌરવને હણ્યુ હતું.
(૫) બ્રાહ્મણોએ શૂદ્રોના અત્યાચારો અને અપમાનોથી તંગ આવી જઈને શૂદ્રોને ઉપનયન સંસ્કારવિધિથી વંચિત કરી દીધા.
(૬) ઉપનયન સંસ્કારવિધિ પ્રાપ્ત ન કરી શકવાને કારણે શૂદ્રો ક્ષત્રિયતાના મોભાથી ચ્યુત થઇ (ભ્રષ્ટ થઇ) વૈશ્ય વર્ણની નીચે ચોથા વર્ગના લોકો બની ગયા.
              આ તારણો અને નિષ્કર્ષ અંગે વિદ્વાનોના અભિપ્રાય માટે મારે રાહ જોવી જોઈએ. આ નિષ્કર્ષ તદ્દન મૌલિક છે. એટલું જ નહીં અત્યારે જે સિધ્ધાંત-મત અસ્તિત્વ ધરાવે છે એનાથી તદન વિપરીત છે. આ નિષ્કર્ષનો સ્વીકાર કરવામાં આવશે કે એનો ઈન્કાર કરી દેવામાં આવશે. એનો આધાર તો નિર્ણય કરવાના અધિકારના સિંહાસન ઉપર બેસનાર વ્યક્તિના માનસ ઉપર આધાર રાખે છે.
         જો સમીક્ષક કોઈ વિશેષ સિધ્ધાંત-મત સાથે સંકળાયેલા હશે તો, તેઓ મારી વાતને ઈન્કારી દેશે. આવા સમીક્ષક પાસેથી કોઈ વિશેષ આશા રાખી શકાય જ નહીં. તે તો વિરોધ જ કરે તે સ્વાભાવિક છે. અને આવા સમીક્ષકોના નિર્ણય અંગે હું ચિંતા કરતો પણ નથી. પણ જો કોઈ વ્યક્તિ પ્રામાણિક અને ખુલ્લા દિમાગની હશે. ભલેને પછી તે ગમે તેટલો રુઢીગ્રસ્ત કેમ ન હોય, પણ હકીકતોને ચકાસવાની એની તૈયારી હશે, તો આ વિષય અંગે હું એને મારા મત પ્રમાણે એને એનો અભિપ્રાય બદલવા જરૂર મજબુર કરી શકીશ. મારા મતને જ તે સ્વીકારે એવી આશા તો હું નહીં રાખું પણ એક વાત તો સ્પષ્ટ જ છે કે મારા આલોચકોને પણ એવી પ્રતીતિ થયા વિના નહીં રહે કે આ પુસ્તક વિચારોથી સમૃધ્ધ છે. અને એકદમ તાજા અને નવીન દ્રષ્ટિકોણ પૂરો પાડે છે.
          વિદ્વાનની વાતને બાજુ રાખીએ પણ હિંદુ સમાજની પ્રતિક્રિયા આ પુસ્તક અંગે કેવી હશે એ જાણવાનું રસપ્રદ નિવડશે. અત્યારે હિન્દુ સમાજ સ્પષ્ટપણે પાંચ વિભાગમાં વિભાજીત છે.
         હિંદુઓનો એક વર્ગ એવો છે જે કટ્ટરવાદી-પરંપરાગત મતને અનુસરે છે. જેને હિંદુ સમાજમાં કોઈ દોષ છે જ નહીં એવું લાગે છે. હિંદુ સમાજની વ્યવસ્થામાં સુધારો કરવાની આવશ્યક્તા જ આ વર્ગને લાગતી નથી.
          હિંદુઓનો બીજો વર્ગ છે આર્યસમાજીઓનો. તેઓ વેદ અને માત્ર વેદમાં જ શ્રધ્ધા ધરાવે છે, અને વેદમાં જે કંઈ છે એ સિવાયનું બીજું બધું આ વર્ગ ઈન્કારે છે અને એ રીતે આર્યસમાજી કટ્ટરતાવાદીઓથી જુદા પડે છે.
         એક ત્રીજો વર્ગ હિન્દુઓનો છે જે સ્વીકારે છે કે, હિંદુ સમાજ વ્યવસ્થામાં અનેક દૂષણ છે. છતાં એના પર આક્રમણ કરવાની આવશ્યકતા નથી. એમનું માનવું છે કે કાયદો જુનું બધુ સ્વીકારતો નથી એટલે હિંદુ સામાજિક વ્યવસ્થા મૃતપ્રાય બનતી જાય છે. ભલેને તે આજે મૃત બની ગઈ ન હોય.!
          એક ચોથો વર્ગ છે રાજનૈતિક માનસ ધરાવનારાઓનો. તેઓ હિંદુ સામાજિક વ્યવસ્થા પ્રત્યે ઉદાસીન છે. અને પ્રચલિત વ્યવસ્થામાં સુધારણા કરવાની ઈચ્છા ધરાવતો નથી. એમનું માનવું છે કે "સ્વરાજ્ય" મહત્વનું છે સામાજિક સુધારણા નહીં.
              હિંદુઓનો પાંચમો વર્ગ છે જે ઉદારતાપૂર્વક શાંતચિત્તે વિચારનારો વર્ગ છે અને તેમનું માનવું છે કે,  સ્વરાજ્ય કરતાંય પ્રાથમિક મહત્વ સામાજિક સુધારણાનું છે.  સ્વરાજ્ય કરતાંય સામાજિક સુધારણા વધારે અગત્યતા અને અગ્રતા ધરાવે છે.
          હિંદુઓની બીજી શ્રેણી જેમને આ પુસ્તક અનાવશ્યક લાગે છે. એમની સાથે હું સહમત થઈ શકતો નથી. બ્રિટિશરાજ્યનો કાયદો જાતિપ્રથાને સ્વીકારતો નથી એવી એમની વાત સાચી છે. ફોજદારી ધારાની ૧૧મી કલમ અનુસાર કોઈ હિંદુ કોઈ પણ કોર્ટમાંથી પોતે અમૂક વર્ણનો છે એવું પ્રમાણપત્ર મેળવી શકતો નથી. અને છતાંય વિવાહ, વારસો કે ગોદ લેવા અંગે બ્રિટિશ કાનૂનને ' વર્ણનો  વિચાર ' કરવો પડે છે. એ વાત તો આપણે સ્વીકારવી જ પડે. એ વાત સાચી છે કે ભારતનું બ્રિટિશ શાસન વર્ણવ્યવસ્થાને સ્વીકારતું નથી પણ એના અંગે ગેરસમજ થવી જોઈએ નહીં. વર્ણવ્યવસ્થાને બ્રિટિશ કાનૂન સ્વીકારતો નથી. એનો ખરેખર અર્થ શું થાય છે.? એના અંગે સાવચેતીપૂર્વક વિચારવું જોઈએ. ટૂંકમાં આપણે કહેવું હોય તો કહી શકીએ કે,
(૧) વર્ણવ્યસ્થામાં માનવું એ કાનૂની રીતે અપરાધ નથી.
(૨) એનો એવો અર્થ પણ નથી કે, વર્ણવ્યવસ્થા લુપ્ત થઇ ગઇ છે.
(૩) એનો એવો અર્થ પણ નથી કે, જો કોઈ એક અધિકારને પ્રાપ્ત કરવા અંગે નિર્ણય કરવો આવશ્યક થઈ પડે તો એવો નિર્ણય કરવામાં વર્ણવ્યવસ્થાને લક્ષમાં લેવામાં જ નહીં આવે.
(૪) એનો અર્થ એટલો જ છે કે કાયદો વર્ણવ્યવસ્થાનું સમર્થન કરતો નથી. એથી વિશેષ કંઈ નહીં.
              સામાજિક સંસ્થાઓ માત્ર કાયદા દ્વારા જ ચાલતી નથી. એના માટે અન્ય વાતોની આવશ્યકતા પણ પડે છે. એમાં ધાર્મિક અને સામાજિક માન્યતા વધારે મહત્ત્વની છે. વર્ણવ્યવસ્થાને ધાર્મિક માન્યતા પ્રાપ્ત થઈ છે. વર્ણવ્યવસ્થાને ધાર્મિક માન્યતા પ્રાપ્ત થઇ હોવાને લીધે અને પ્રબળ સામાજિક માન્યતા પણ મળેલી છે. એને કાનૂની માન્યતા નથી મળી છતાંય આ ધાર્મિક પીઠબળને કારણે વર્ણવ્યવસ્થાને ટકાવવા માટે પૂરતી શક્તિ મળી રહી છે. અને તે વિકસિત થતી રહી છે. એનું સૌથી મોટું પ્રમાણ આજના શૂદ્રો અને અછૂતોની સ્થિતિથી માપી શકાય છે કે તે પહેલા જેવી સ્થિતિમાં હતા એવી જ સ્થિતિમાં આજે પણ છે. એટલે આ વિષય અંગે અભ્યાસ અને સંશોધન જરૂરી નથી એમ કહેવું ઉચિત નથી.
         રાજનૈતિક વિચારો ધરાવનારાની ટીકાઓ અંગે ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર જ નથી. એમના વિચાર તો ટૂંકાગાળાના લાભને નજરમાં રાખીને કરવામાં આવે છે. એમાં લાંબા ગાળાના વિચારો કરીને ઉકેલ શોધવાની અનિચ્છા ડોકાતી હોય છે. જેથી ઓછામાં ઓછો પ્રતિરોધ થાય અને સમસ્યા મુલતવી રહે; ભલેને પછી તે ગમે તેટલી ત્વરિતતા ધરાવતી કેમ ન હોય ! કારણ કે તેમને અલોકપ્રિયતાનો ડર લાગતો હોય છે. એટલે રાજનૈતિક માનસ ધરાવનારાઓને આ પુસ્તક અનાવશ્યક અને માથાનો દુખાવો લાગે તો એમાં નવાઈ પામવા જેવું નથી.
          આ પુસ્તક આર્યસમાજી વિચાર ધરાવતા લોકોને મોટી અડચણ રૂપ લાગશે. બે મુખ્ય બાબતો અંગે મારા તારણો એની બે માન્યતા સામે તીવ્ર પ્રશ્નો પેદા કરે છે. પહેલી માન્યતા તો આર્યસમાજીઓની એ છે કે ચાર્તુવર્ણ વ્યવસ્થા તો પ્રાચીન સમયથી જ અસ્તિત્વ ધરાવે છે. આ પુસ્તકમાં એવું પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે, એક એવો પણ સમય હતો જ્યારે ભારતીય આર્યોમાં માત્ર ત્રણ જ વર્ણો હતા. આર્યસમાજીઓ તો એવું માને છે કે વેદ અનાદિ અને ઈશ્વરકૃત છે. અને એટલે વેદોને આધારે જે સામાજિક સંસ્થાઓ અસ્તિત્વમાં આવી તે પણ આનાદિ અનંત અને અભ્રાંત છે. વેદોનું પુરુષ સૂક્ત બ્રાહ્મણએ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે પાછળથી જોડયું હતું. મારું બીજું તારણ તો એમને માટે એટમબોમ્બ નાખ્યો હોય એવી પ્રતિક્રિયા પેદા કરશે. કારણ કે આ બન્ને બાબતો આર્ય સમાજના સિધ્ધાંતોની વિરુદ્ધમાં જાય છે.
         આર્ય સમાજીઓનો વિરોધ કરવામાં મને ગ્લાનિ થતી નથી, કારણ કે એમણે હિંદુ સમાજમાં એક એવી ભ્રાંતિ પેદા કરી છે, અને એમણે એવો પ્રચાર કર્યો છે કે વેદો અનાદિ, અનંત, અપાર્થિવ છે. એટલે વેદોને આધારે જે સામાજિક સંસ્થાઓ ઉત્પન્ન થઈ છે તે પણ અનાદિ, અનંત અને અભ્રાંત છે. એટલે એમાં ફેરફારોને માટે કોઈ અવકાશ છે નહીં. જયારે આવો સિધ્ધાંત પ્રચલિત કરવામાં આવે ત્યારે હિંદુ સમાજમાં સુધારા માટેની સંભાવના જ રહેતી નથી. અને જ્યાં સુધી આર્યસમાજે પેદા કરેલી આ ભ્રાંતિને નિર્મૂળ ન કરવામાં આવે ત્યાં સુધી સુધારાને માટે અવકાશ જ રહેતો નથી. આ પુસ્તક એ રીતે જો બીજા કોઈ અર્થમાં ન હોય તો પણ લાભદાયક છે જ.
        રૂઢિવાદી કટ્ટરપંથી હિંદુઓ આ પુસ્તક અંગે કેવો અભિપ્રાય આપશે એની તો મને કલ્પના આવે જ છે. કારણ કે હું ઘણાં સમયથી આ રૂઢિવાદી તત્વો સાથે સંઘર્ષમાં ઉતર્યો જ છું. મને ખબર છે કે સીધા-સાદો અને અહિંસક દેખાતો હિંદુ જયારે એના ધર્મપુસ્તક પર આક્રમણ કરવામાં આવે ત્યારે કેટલો ભયાનક બની જાય છે! આ વિષય અંગે મદ્રાસમાં જ્યારે મેં ગયા વર્ષે પ્રવચન કર્યું ત્યારે વિરોધ વ્યક્ત કરતા પત્રોનો વરસાદ મારા ઉપર વરસ્યો હતો. એ પછી જ મને એની ખબર પડી છે કે અહિંસક દેખાતો હિંદુ એના ધર્મ પુસ્તક પર આક્રમણથી કેવો ગુસ્સે ભરાય છે. જે પત્રો મને મળ્યા એમાં ગંદી ગાળોની ભરમાર હતી. એ એવી ગાળો હતી જે ઉચ્ચારી શકાય તેમ નથી કે છાપી શકાય તેવી નથી. પત્રોમાં મને જાનથી મારી નાખવાની ધમકી પણ ઓછી નહોતી મળી. એ વખતે એમણે આ મારો પ્રથમ અપરાધ છે એમ જાણીને મને જવા દીધો હતો, પણ આ વખતે જ્યારે આ પુસ્તક વાંચશે અને જાણશે કે મેં મારી હરકતો પહેલાની જેમ જ ચાલુ રાખી છે ત્યારે તેઓ મારું શું કરશે? એની તો હું કલ્પના જ કરી શકતો નથી.
              આ પુસ્તક વાંચીને એવા લોકોનો ગુસ્સો અસીમ થઈ જશે.  પણ મને કોઈના ક્રોધની કે ધમકીઓની પરવા નથી. કારણ કે હું જાણું છું કે એમના જેવો રાજનૈતિક સ્વાર્થ ધરાવતો અન્ય કોઈ વર્ગ છે જ નહીં. એમણે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે જ્ઞાનનો દુરુપયોગ કર્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે આવા કટ્ટરપંથી - ભયાનક લોકોને જ્યારે ખબર પડશે કે જેને ધાર્મિક પુસ્તકો કહેવામાં આવે છે, તેમાં પ્રકરણે પ્રકરણે અને ફકરે ફકરે બનાવટ ઉભી કરવામાં આવી છે, અને તે પણ એમની રાજનીતિના એક ભાગ રૂપે જ કરવામાં આવી છે. એમાં પ્રજાને વિભાજીત કરવાનો હેતુ છે અને સ્વાર્થ સાધવાની તરકીબ છે, (તે વાત મેં આ ગ્રંથ દ્વારા પ્રતિપાદિત કરી છે.) તો એમને ગુસ્સો ચડશે જોકે હું એમના ગુસ્સાની કે ધમકીઓની પરવા કરતો નથી. કારણ કે હું જાણું છું કે એમણે એમના સ્વાર્થને કારણે જ્ઞાનનો દુરુપયોગ કર્યો છે. એમણે ધર્મને એક વ્યાપાર બનાવી દીધો છે અને એટલે જ એના રક્ષણ માટેનો પ્રયાસ કરે છે.  તેઓ તો દુનિયાના તમામ સ્વાર્થી તત્ત્વો કરતાં ચડી જાય તેવા છે અને બુદ્ધિનો દુરુપયોગ એમણે પોતાના સ્વાર્થી હિતોને સાચવવા માટે કરેલો છે. જયારે અંધવિશ્વાસી કટ્ટરતાવાદી લોકો એવી વ્યક્તિ ઉપર હડકાયા કૂતરાની જેમ તૂટી પડે છે, જે એમના કહેવાતા પવિત્ર ગ્રંથો વિશે પ્રશ્નો ઉભા કરવાની હિંમત દાખવે છે. ત્યારે અગ્રગણ્ય હિંદુ આગેવાનો જે પોતાને ઉચ્ચ શિક્ષિત માને છે, અને ખુલ્લા દિમાગથી પ્રશ્નોને મૂલવવાનો દાવો કરે છે, જેમને પોતાને કોઈ સ્વાર્થ નથી, એવું દેખાડવાનો દંભ કરે છે એવા લોકો પણ રૂઢિચુસ્તોના આક્રમણ સાથે ભળી જાય છે. હાઈકોર્ટના હિંદુ ન્યાયધીશો, પ્રાંતોના મુખ્ય-મંત્રીઓ પણ એમાં સાથ આપતાં ખચકાટ અનુભવતા નથી. તેઓ ટેકો અને સમર્થન આપવાથી પણ આગળ વધે છે. તેઓ માત્ર શિકાર ટોળકીમાં ભળતા જ નથી પણ શિકાર ટોળકીની આગેવાની લે છે. ગુસ્સો તો એ વાતનો આવે છે કે, આ કહેવાતા બુદ્ધિજીવીઓ એવું માને છે કે એમનું ઊંચું પદ કટ્ટરતાવાદીઓના/વિરોધીઓના વિરોધને નબળો કરશે અને એનો બદલો એમને મળી રહેશે.
          આવા બુદ્ધિજીવી સજ્જનોની મારે એટલું જ કહેવાનું છે કે, તેઓ એમની ધમકીથી મને રોકી શકશે નહીં. તે ડૉ. જોનસનના વિચારપ્રેરક વિધાનોથી પરિચિત નથી. જ્યારે ડૉ. જોનસને કહ્યું હતું કે, “દુષ્ટોની ધમકીથી ડરીને પાખંડીઓને પકડવાનું હું છોડી શકું નહીં.” હું ઊંચા આસને બિરાજેલા આલોચકોની આલોચના પ્રત્યે ધૃષ્ટતાનો વ્યવહાર કરવા ઇચ્છતો નથી પણ એમને બે વાત તો કહેવા માંગુ જ છું.
        એક તો એ કે હું ઐતિહાસિક સત્ય શોધવા માટે સંશોધન કરતો રહેવાનો છું અને કહેવાતા ધર્મ પુસ્તક પરથી પડદો ઉઠાવતો રહીશ જેથી દેશવાસીઓ જાણી શકે કે એમના સમાજનું અને દેશનું પતન આ કહેવાતા ધર્મગ્રંથોના અનુસરણને કારણે જ થયું છે.
         બીજી વાત એ છે કે હિંદુઓની વર્તમાન પેઢી જો મારા વિચારો પ્રત્યે ધ્યાન નહીં આપે તો પણ મને એવો વિશ્વાસ છે કે ભાવિની પેઢીઓ આ બાબત અંગે ધ્યાન આપવાની જ છે. મને સફળતા નહીં મળે તો એથી હું નિરાશ થવાનો નથી. કારણ કે હું કવિ ભવભૂતિના શબ્દો માંથી આશ્વાસન પ્રાપ્ત કરી લઉં છું કે “સમય તો અનંત છે અને ધરતી વિશાળ છે. કોઈક સમયે કોઈ એક એવી વ્યક્તિ અવતરવાની છે જે મારા વિચારોની કદર કરશે જ.”
           આ પુસ્તકને આવકારનારો એક જ વર્ગ છે. આ વર્ગ સામાજિક સુધારણાની આવશ્યકતા અને એની અગ્રતાને સમજે છે. સામાજિક સુધારણા લાંબા સમયે થાય છે. એમ કહીને સમસ્યાને મુલત્વી રાખવાનું વલણ આ વર્ગ નથી ધરાવતો પણ સમસ્યાનું નિરાકરણ લાવવા અભ્યાસ અને અનુસંધાન જરૂરી છે એવું માને છે. હિંદુ સામાજિક માળખાની અંતર્ગત જે કોમવાદ છે એને જોતાં કોઈ પણ રાજકીય માનસ ધરાવતી વ્યક્તિ જે પ્રમાણિક હશે તો એવું જરૂર કહેશે કે સામાજિક પ્રશ્નોની ઉપેક્ષા કરીને, એને મુલતવી રાખીને કાર્ય આગળ ધપાવી શકશે નહીં કારણ કે સામાજિક સંકીર્ણતા ડગલેને પગલે રાજનૈતિક સંકટ પેદા કરનારી નીવડવાની છે. આ પ્રશ્નો અને મુશ્કેલીઓ વર્તમાનના સમયમાં પૂરતી  જ નથી પણ કાયમી  ધોરણની છે.  મને આનંદ એ વાતનો છે કે હિંદુઓમાં એક એવો વર્ગ છે - ભલેને નાનકડો હોય છતાંય હું મારી વિચારણા એમને માટે જ રજુ કરી રહ્યો છું :
           પ્રત્યેક ધર્મ પુસ્તક પ્રત્યે જે પ્રકારનો આદર બતાવવો જોઈએ એ પ્રકારનો આદર મેં હિન્દુધર્મ પુસ્તકો પ્રત્યે નથી બતાવ્યો એવો આક્ષેપ કદાચ મારા ઉપર કરવામાં આવશે. જો આ આક્ષેપને સાચો ગણીએ તો એના અંગે હું બે કારણો આપવાનું ઉચિત માનું છું. પહેલી બાબત તો એ છે કે, ઈતિહાસ વેત્તાઓની દ્રષ્ટિએ જ મેં આ વિષયનું સંશોધન કર્યું છે. ઈતિહાસકાર "ધાર્મિક સાહિત્ય" કે "અન્ય  સાહિત્ય" વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ માનતો નથી  કે ગણતો નથી. એનું કામ તો સત્યની ખોજ કરવાનું છે. એટલે ધાર્મિક પવિત્ર સાહિત્ય કે અન્ય સાહિત્ય એવું વિભાગીકરણ કરવાને બદલે ઈતિહાસ સંશોધકો જે ઉત્તમ પરંપરાઓને અનુસરીને સંશોધન કરે છે. એજ પરંપરાઓને અનુસરીને મેં કાર્ય કર્યુ છે. મારું મુખ્ય કાર્ય તો ઈતિહાસના છુપા રહસ્યોને શોધી કાઢવાનું છે. એટલે ધાર્મિક પુસ્તકો પ્રત્યે મેં આદર બતાવ્યો નથી. એવો આક્ષેપ નિરાધાર છે અને ક્ષમ્ય પણ છે. બીજી બાબત એ છે કે ધર્મપુસ્તકો પ્રત્યે શ્રધ્ધા કરાવી શકાતી નથી. શ્રદ્ધા તો સામાજિક સ્થિતિમાં સ્વયં ઉત્પન્ન થાય છે અથવા નથી થતી. ધર્મગ્રંથો પ્રત્યે બ્રાહ્મણોની શ્રદ્ધા સ્વાભાવિક અને સહજ છે. પરંતુ અબ્રાહ્મણોને માટે એટલી સ્વાભાવિક ન પણ હોઈ શકે. આ બંને વચ્ચે જે તફાવત છે તે તો સરળતાથી સમજી શકાય તેમ છે.  પ્રોફે થ્રોન ડાઇકે (prof Thron dyke) સાચું જ કહ્યું છે કે મનુષ્ય વિચારે છે તે જૈવિક તથ્ય  (Biological Fact)  છે અને શું વિચારે છે તે સામાજિક તથ્ય (sociological fact)  છે.
          હિંદુઓનો સામાજિક ઈતિહાસ આ પ્રકારના પુસ્તકો ઉપર નિર્ભર છે એટલે એના પ્રત્યે બ્રાહ્મણોની શ્રદ્ધા અને અબ્રાહ્મણોની અશ્રદ્ધા સત્યનું સંધાન કરવાના માર્ગમાં મોટી અડચણરૂપ છે. એ વાતથી હું અજાણ નથી.
          બ્રાહ્મણ સંશોધકોએ ઐતિહાસિક સંશોધનોમાં જે પ્રકારની ગોલમાલ અને ચાલાકી કરી છે તેતો સ્વયં સ્પષ્ટ છે.
           સાહિત્યની પવિત્રતા અંગે બ્રાહ્મણોએ જે વલણ લીધું છે એના બે કારણ છે. પહેલો સ્વાર્થ એ છે કે આ પુસ્તકો એમના પુર્વજોએ લખ્યા છે. એટલે એમની પિતૃભક્તિ બ્રાહ્મણોને સમર્થન કરવા પ્રેરે છે.અથવા મજબૂર કરે છે. ભલેને પછી આ પિતૃભક્તિને કારણે સત્યનું હનન જ કેમ થતું ન હોઈ !
           બીજું કારણ એ છે કે, આ ધર્મગ્રંથોનું સમર્થન કરવા પાછળ બ્રાહ્મણોના પોતાના વર્ગનું હિત સમાયેલું છે. એટલે તો આ ધર્મગ્રંથોની અધિકૃતતાને પડકાર આપે એવું કે એનું મહત્વ ઓછું કરે એવું કઈ પણ તે સ્વીકારવા તૈયાર નથી. આ વ્યવસ્થા ટકી રહે એમાં તેમનો સ્વાર્થ છે એ વાત તેઓ સ્પષ્ટ રીતે જાણે છે, અને એનાથી એમના પુર્વજોની પ્રતિષ્ઠા ટકી રહી છે. એટલે સત્યના શિક્ષણ કે પ્રસારનો વિરોધ સ્વભાવિક રીતે તેઓ જ કરે છે.
          કોઈપણ સંશોધકને બ્રાહ્મણ વિદ્વાનોના સંશોધનોને આધારે ઐતિહાસિક તિથિ નક્કી કરવી કે વંશાવળીની શોધ કરવી એ અશક્ય બની જાય છે.
         અબ્રાહ્મણ વિદ્વાનોને આવી કોઈ મર્યાદા નડતી નથી એટલે તેઓ મુક્તપણે સત્યનું સંશોધન કરવા પ્રયાસ કરે છે.  બ્રાહ્મણ અને અબ્રાહ્મણ સંશોધકો વચ્ચેનો આ તફાવત ધ્યાનમાં રાખવા જેવો છે. આ પુસ્તક એનું ઉત્તમ ઉદાહરણ છે. શૂદ્રો વિરુદ્ધ આચરવામાં આવેલા ષડયંત્રોનો પર્દાફાશ આ પુસ્તક દ્વારા થયો છે જેની આશા કોઈ પણ બ્રાહ્મણ પાસે રાખી શકાય નહીં. આવી હિંમત કોઈ બ્રાહ્મણ વિદ્વાને કરી નથી.
          અબ્રાહ્મણ વિદ્વાનોની પણ એક મર્યાદા છે જેના અંગે ઉલ્લેખ કરવો જરૂરી છે. અબ્રાહ્મણ વિદ્વાન બીજી અંતિમતા તરફ ખેંચાઈ જશે અને બ્રાહ્મણ દ્વારા રચવામાં આવેલ સમગ્ર સાહિત્યને દંતકથા, બનાવટી, અને અસત્ય  કહીને કચરા  ટોપલીમાં પધરાવી દેવાનો પ્રયાસ કરીને એના અંગે ગંભીરતાથી વિચાર કરવાનું જ માંડી વાળશે. એક ઇતિહાસવેતા માટે એવું વલણ ઉપયોગી નથી.
          ઇતિહાસકાર માટે તો એવું કહેવામાં આવ્યું છે કે, તેણે ચોક્કસ અને સચોટ બનવું પડે. એણે નિષ્ઠાવાન, નિષ્પક્ષ, અધિરાઈથી મુક્ત, પૂર્વગ્રહ રહિત, ડર રહિત, પ્રેમ રહિત અને માત્ર સત્યને વફાદાર રહેવાના વલણવાળા બનવું જોઈએ. કારણ કે, આ વલણ જ ઇતિહાસની માતા બનવાની ગરજ સારે છે. ભૂતકાળના સાક્ષી બનવું અને ભવિષ્યના માર્ગદર્શક બનવું એ એનું કર્તવ્ય છે. ટૂંકમાં એણે ખુલ્લા દિમાગથી પ્રાપ્ત પુરાવાઓ અને તથ્યોને ચકાસવા જોઈએ. ભલેને પછી તે નગણ્ય જ કેમ ન હોય! અબ્રાહ્મણ વિદ્વાનો એક ઈતિહાસ સંશોધકની ભાવનાથી કામ કરે એ થોડુંક અઘરું તો છે જ. અબ્રાહ્મણ સંશોધકો સત્યનું સંશોધન કરવામાં કદાચ અબ્રાહ્મણ રાજનીતિથી દોરવાઇ જાય એવી સંભાવના છે. મને ખાતરી છે કે મેં મારી જાતને આવા પૂર્વગ્રહોથી અળગી રાખી છે. શૂદ્રો અંગેનું સંશોધન કરતા મેં એ વાતને ધ્યાનમાં રાખી જ છે. આવા પૂર્વગ્રહોને બાજુ રાખીને મેં ઐતિહાસિક સત્યને શોધવાનો પ્રયાસ કર્યો છે. દેશમાં અબ્રાહ્મણ ચળવળ ચાલે છે અને તે ચળવળ શૂદ્રોની રાજનૈતિક ચળવળ છે અને એ વાત પણ સર્વવિદિત છે કે હું પણ એ રાજનૈતિક ચળવળ સાથે સંકળાયેલો છુ. પણ વાચકોને એ વાતનો અહેસાસ જરૂરથી થશે કે અબ્રાહ્મણ ચળવળને પ્રસ્તાવના અને બળ પૂરું પાડવાના આશયથી મેં આ પુસ્તક લખ્યું નથી. આ પુસ્તક કેટલીક ત્રુટિઓ અંગે હું અનભિજ્ઞ છું એવું નથી. સંભવ છે કે વાચક આ પુસ્તકને વાંચતા વાંચતા કંટાળી જાય કારણ કે અન્ય ગ્રંથોના ઘણા અવતરણો મેં ટાંક્યા છે જે ખૂબ જ લાંબા અને વિપુલ પ્રમાણમાં છે. આ પુસ્તક કલાનો નમૂનો નથી. એટલે વાંચકને એમાં રસ ન પડે અને સંપૂર્ણ પુસ્તક વાંચે તો વાચક કંટાળી જાય તેમ છે. પણ આ દોષ ખરેખર તો મારો તો નથી. આ કંટાળો તોડવા માટે ધારદાર છરીનો ઉપયોગ કરીને ઘણી કાપ કૂપ હું કરી શક્યો હોત! પણ આ પુસ્તક શૂદ્રોને માટે લખવામાં આવ્યું છે. જેથી એને એની સ્થિતિનું જ્ઞાન પ્રાપ્ત થાય. એટલા માટે પ્રમાણો આપવા પણ જરૂરી હતા કારણ કે તેમને તો એ વાતની ખબર જ નથી કે તેઓ શૂદ્રો બન્યા કેવી રીતે અને આજે કેવી સ્થિતિમાં છે? આ પ્રશ્નને કેવી રીતે કલાત્મક રીતે રજૂ કરવામાં આવ્યો છે એની સાથે એમને લેવા દેવા નથી. એમને તો આ પ્રશ્ન અંગેનું તમામ સાહિત્ય ઉપલબ્ધ થાય એવી જ આશા છે. એ જેટલું વધારે હોય એટલું વધારે સારું. મેં મારી હસ્તપ્રત જે- જે લોકોને બતાવી છે એ સૌ કોઈએ દબાણ અને આગ્રહ કર્યો કે મારે મારા ટાંચણો યથાવત જ રાખવા. એટલું જ નહીં એમની તો એવી ઈચ્છા પણ હતી કે પુરાવાઓના અંગ્રેજી ભાષાંતરો જ નહીં પણ એના મૂળ સંસ્કૃત ઉદાહરણો પણ મારે આ પુસ્તકમાં સામેલ કરવા અને એક અલગ અનુસુચિ તૈયાર કરવી. મૂળ સંસ્કૃત શ્લોકોને ટાંકવાની એમની વિનંતિને મારે નકારવી પડી કારણ કે, એમ કરવા જતાં પુસ્તકનું કલેવર ધણું મોટું થઈ જાત અને વાચકોની રસવૃત્તિ અને રુચિ પણ ઓછી થઈ જાત !
                  ચાર્તુવર્ણ વ્યવસ્થાને કારણે જ શૂદ્રોની અવનતિ થઈ છે અને આ વર્ણવ્યવસ્થાને તોડવામાં પણ શૂદ્રો જ એક મહત્વનું માધ્યમ બની શકે તેમ છે. આવા પવિત્ર કાર્ય માટે શૂદ્રોને શિક્ષિત બનાવવાનું અને તૈયાર કરવાનું મેં શાથી સ્વીકાર્યું છે એ આ વિધાન પરથી સમજી શકાશે અને એટલા માટે તો જે ટાંચણો મેં ટાંક્યા છે એને કાઢી નાંખવાનું કે ટૂંકાવવાનું મને યોગ્ય લાગ્યું નથી.
                 ત્રણ વ્યક્તિ પ્રત્યે હું આભાર પ્રદર્શિત કરવા માગું છું. સૌથી પહેલાં તો મહાભારતના ૬૦માં અધ્યાય શાંતિપર્વના લેખકનો આભાર માનું છું કારણ કે એણે પૈજવનને શૂદ્ર ગણાવ્યો છે. પછી તે વ્યાસ હોય , વૈશંપાયન હોય, સૂત હોય કે લોમહર્ષ હોય, કે ભૃગુ હોય એ કહેવું મુશ્કેલ છે. ભલેને તે ગમે તે હોય, પણ પૈજવનની ઓળખાણ આપીને એક અતિમહત્વનું કાર્ય કર્યું છે. જો તેણે પૈજવનને શૂદ્ર ન ગણાવ્યો હોત તો શૂદ્રો અંગેનું સંશોધન કરવાની કડી જ રહેત નહીં. હું લેખક પ્રત્યે હૃદયના આભારની લાગણી વ્યક્ત કરું છું કે એમણે અતિ મહત્ત્વની કડીનો નિર્દેશ કર્યો છે અને જેના વિના આ પુસ્તક લખાઈ જ શક્યું ન હોત !
               બીજો આભાર ઈસ્માઈલ યુસુફ કોલેજ, અંધેરી, મુંબઈના પ્રોફેસર કાંગલેનો માનું છું કે એમણે સંસ્કૃત શ્લોકના અનુવાદનું નિરીક્ષણ કરી મને એક મોટા સંકટમાંથી ઉગારી લીધો છે કારણ કે, હું મારી જાતને સંસ્કૃતનો વિદ્રાન માનતો નથી. પ્રોફેસર કાંગલેની સહાયતા પ્રાપ્ત કર્યા પછી મને વિશ્વાસ બેસી ગયો છે કે, મેં સંસ્કૃતના શ્લોકોના અર્થમાં કોઈ હેરાફેરી કરી નથી. પણ એનો અર્થ એવો તો નથી જ કે જો અનુવાદમાં કોઈ દોષ રહી ગયો હોય તો એની જવાબદારી પ્રોફેસર કાંગલેને માથે છે; એવું મારા આલોચકો ન માને. સિધ્ધાર્થ કોલેજ, ફોર્ટ, મુંબઈના પ્રોફેસર મનોહર ચિટણીસનો પણ આભારી છું કે એમણે પુસ્તકોની સૂચિ તૈયાર કરીને મારી અમૂલ્ય સહાયતા કરી છે.
૧૦ ઓક્ટોબર, ૧૯૪૬
'રાજગૃહ
દાદર,
મુંબઈ - ૧૪.                                         ✍ ડૉ. ભીમરાવ આંબેડકર   


No comments:

Post a Comment